Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for February, 2009

શ્રી ‘આસિમ’ રાંદેરી ૧૯૦૪–૨૦૦૯

Posted by glaofna on February 8, 2009

ગુજરાતી ગઝલકારોમાં વયમાં સૌથી જૈફ પણ દિલના સદા યુવાન એવા શાયર આસિમ રાંદેરીનું ગયા ગુરુવારે ૧૦૪ વર્ષની વયે અવસાન થતાં આપણે ગઝલક્ષેત્રે ક્રાંતિ લાવનાર બે શાયરો બહુ જ ટૂંક સમયમાં ખોયા છે.

૧૫ ઑગસ્ટ ૧૯૦૪નાદિવસે જન્મેલા (મૂળ નામ મહમૂદમિયાં મોહંમદ ઇમામ સૂબેદાર) આસિમ સાહેબની ૧૮ વર્ષની ઉંમરે શરૂ થયેલી કવિતા સાથેની છેડતીનો ફાલ એમના લીલા, શણગાર, તાપી તીરે અને ગુલછડી જેવા કાવ્યસંગ્રહોમાં એમણે આપ્યો છે.

આસિમ સાહેબને મળવાનો અને એમના ખૂબ જ લોકપ્રિય કલ્પિત પાત્ર લીલા પરનાં કાવ્યો એમના સ્વમુખે સાંભળવાનો લહાવો ગુજરાતી લિટરરી ઍકેડેમીના ૨૦૦૦ના સંમેલનને મળેલો. યુવાનોને શરમાવે એવી એમની એ ખુમારી ત્યાં હાજર દરેકની સ્મૃતિમાં હંમેશ માટે કોતરાયેલી રહેશે.

મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી. 

ગઝલ એવીય વાંચી છે અમે લીલાની આંખોમાં,
અલૌકિક-રંગમય જે કોઈ ભાષામાં નથી હોતી. 

અનુભવ એ ય આસિમ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

વર્ષો સુધી કૅલિફોર્નિયામાં રહેલા આસિમ સાહેબ છેલ્લાં થોડાં વર્ષોથી ભારત પાછા ગયેલા. ત્યાં જ પોતાની જન્મભૂમિ સુરતના રાંદેર વિસ્તારમાં એમણે ૫–ફેબ્રુઆરીના દિવસે આપણને અલ્વિદા કહી.

એક ભ્રમણા છે હકીકતમાં, સહારો તો નથી;
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી. 

મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંજિલ, આ કિનારો તો નથી.

એ આખરી મંજિલ તરફ નીકળી ચુકેલા આસિમ સાહેબને ખુદા હાફિઝ કહીએ.

-રામ ગઢવી,  ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી…

તા.ક. : આસિમ સાહેબની એક ગઝલ જુવો લીલા કૉલેજમાંની તરન્નુમમાં રજૂઆત જોવા અને સાંભળવા આપને ભલામણ છે : http://www.youtube.com/watch?v=rRD17zkXrvw.

Posted in સમાચાર | Comments Off on શ્રી ‘આસિમ’ રાંદેરી ૧૯૦૪–૨૦૦૯