આપ સૌને જાણ હશે જ કે સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે જુલાઈની 3જી થી 11મી સુધી પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન રેરીટન સેંટર, એડિસન, ન્યુ જર્સી ખાતે કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ અઠવાડિયામાં ગુજરાતી લિટરરી એકેડેમી દ્વારા શ્રી રામ ગઢવીનાં નેતૃત્વ હેઠળ શિઘ્ર યોજાઈ ગયેલી આ રામકથા દરમ્યાન જુલાઈની 5મી થી 10મી સુધી રોજ સાંજે સાહિત્યીક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથા ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થઈ હતી અને સાંજ વેળાનાં તમામ કાર્યક્રમો પણ અત્યંત સફળ રહ્યા હતા. રામકથા દરમ્યાન તેમ જ સાંજનાં કાર્યક્રમોનું સંચાલન અંકિત ત્રિવેદી અને ચંદ્રકાંત શાહે મળીને ખૂબ જ સુંદર રીતે કર્યુ હતું.
લોકસંગીતનાં કાર્યક્રમનું સંચાલન શ્રી બળવંતભાઈ જાનીએ એમની શૈલીમાં સરસ રીતે કર્યું હતું. સુગમ સંગીતનો કાર્યક્રમ પણ ખૂબ જ સુંદર રહ્યો હતો. કવિસંમેલનનું સંચાલન ચંદ્રકાંતભાઈએ એમની અદાથી કર્યું હતું જેમાં અંકિતે પણ એમને સાથ આપ્યો હતો. ‘મરીઝથી મેઘાણી સુધી’ કાર્યક્રમમાં પ્રવચન-પઠન અને સંગીતનો સુમેળ ખૂબ જ અસરકારક રહ્યો હતો. ગરબા-રાસમાં પણ લોકોને ખૂબ જ મજા આવી હતી. આખા કાર્યક્રમનું આયોજન કરવામાં GLAને ઘણા લોકો અને સંસ્થાઓએ સાથ આપ્યો હતો, જેને માટે GLAનાં પ્રમુખ અને કમિટી સભ્યો સૌનો ખૂબ જ આભાર માને છે.
શ્રીરામકથા અને સાંજનાં કાર્યક્રમોને સુંદર, સફળ અને એક યાદગાર ઘટના બનાવવામાં શ્રી સુનીલ નાયકનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો… રામકથાનાં છેલ્લા દિવસે રામકાકા અને સુનીલભાઈને એકબીજાને મિઠાઈ ખવડાવીને સમગ્ર કાર્યક્રમોની સફળતાની ખુશી પ્રગટ કરી હતી.
* * *