મિત્રો,
હજી તો ઉષાબેન શાહના અવસાનના સમાચારની શાહી સુકાણી પણ નથી ત્યાં બીજા દુઃખદ સમાચાર મળે છે. આપણી ઍકેડેમીના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. ભરત શાહનું બુધવાર, એપ્રિલ 29ની બપોરે અવસાન થયું છે.
મૃત્યુ વિષમ છે. કોરોનાવાઈરસના ભયંકર ભરડામાં કોઈની છેલ્લી પળોમાં નિકટના કુટુંબીઓ કે મિત્રો હાજર પણ ન હોય એ પરિસ્થિતિ એ વિકટ મૃત્યુને વિષમ બનાવે છે. મરણ પછીના શોકમાં કોઈથી જોડાઈ પણ ન શકાય એ આપણી હાલત તો દયાજનક છે.
1995-98 દરમ્યાનનાં વર્ષોના ઍકેડેમીના પ્રમુખ તરીકેનું ભરતભાઈનું અર્પણ મૂલ્યવાન હતું. ઍકેડેમીના અતિથિ બનીને આવેલા આમંત્રિત સાહિત્યકારોની ઉષાબેન અને ભરતભાઈ પ્રેમપૂર્વક સરભરા કરતાં, અને ભરતભાઈ એમને આખા ન્યૂયોર્કમાં ફેરવતા, મ્યુઝિયમો સુદ્ધાં નિષ્ઠાપૂર્વક દેખાડતા. વ્યવસ્થાશક્તિ એ પણ ભરતભાઈની વિશેષતા હતી.
ભરતભાઈ બુદ્ધિધન હતા, એમનું વાચન વિશાળ હતું, એમની સાહિત્યિક અભિરુચિ ઊંડી હતી. એમની આત્મચરિતાત્મક લઘુનવલ ‘સમીપે’થી ભરતભાઈનું નામ ગુજરાતી સાહિત્યજગતમાં ચિરંજીવ રહેશે. એમણે બીજાં પણ ઘણાં પુસ્તકો આપ્યાં જેમાંનાં ગુજરાતી અને સંસ્કૃત શીખવાનાં પુસ્તકો આજે પણ લોકો ઍમૅઝોન પર ખરીદે છે. ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં ભરતભાઈનું પ્રદાન અગ્રગણ્ય રહેશે.
સ્નેહીઓ તેમને યાદ કરશે તેમના મળતાવડા સ્વભાવ અને સુક્ષ્મ વિનોદવૃત્તિ માટે.
ભરતભાઈ એમની પાછળ એક બહોળા કુટુંબસમુદાયને વિલાપ કરતો મૂકી ગયા છે. પુત્ર નિખિલ અને પુત્રી મનીષા એક જ અઠવાડિયામાં માતાપિતા બન્નેને અસહ્ય રીતે ગુમાવી બેઠા છે. એમને ઍકેડેમીના સભ્યો વતી એટલું જ કહેવાનું છે કે તમારા શોકમાં અમે સૌ સહભાગી છીએ.
ઈશ્વર સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને સદ્ગતનો આત્મા પરમ શાંતિને પામે એવી પ્રાર્થના.
કાર્યવાહી સમિતિ,
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા