આપણા સૌ વતી, પૂર્ણ સન્માન સહ વિદાય – વંદન ધીરુબહેન.
Posted by Ashish Desai on March 11, 2023

અમેરિકાના ઇસ્ટ કોસ્ટના ગુરુવારે લગભગ રાત્રે ૧૧:૩૦ વાગે સમાચાર મળ્યા ત્યારે માનીના શકાયકે ધીરુબેન જે ગઈકાલ સુધી આટલા સ્વસ્થ હતા તે આજે નથી રહ્યા. હોસ્પિટલમાંથી ઘરે ગયા ત્યારે એમણે ફોન પર મિત્રને કીધું કે સેન્ચુરી મારીશ અને એકદમ આવું જાણીએ એટલે શોક લાગેલો. પણ હવે એમનો વારસો ચાલુ રાખવા આપણેસૌએ સાથે મળીને ભાષા સાચવવાનું કામ કરવાનું છે. એમની અદ્ભૂત જિંદગીને ઉજવવાની છે.
અમેરિકામાંજ સ્થાયી અને સાહિત્ય સંસદના કાર્યકર્તા નંદિતાબેન ઠાકોરનો ફોન આવ્યો અને મેં આ તક ઝડપી લીધી. એમણે મને તાત્કાલિક આ શ્રદ્ધાંજલિ લખીને મોકલી આપી જે હું અને ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા ગર્વથી શેર કરીએ છીએ.
“કોઈક મુઠી ઉંચેરા સર્જક, કલાકાર, કોઈ ખાસ વ્યક્તિ વિદાય થાય છે ત્યારે એક આખો યુગ આથમી જતો હોય એમ લાગે છે. ગુજરાતી સાહિત્ય જગતમાં જેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે એવાં ખૂબ ઊંચા ગજાનાં પ્રતિબદ્ધ લેખક શ્રી ધીરુબહેન પટેલને આપણે 10મી માર્ચે સવારે ગુમાવ્યાં. સાહિત્ય જગતમાં કેવડો મોટો અવકાશ!
ગુજરાતી સાહિત્ય સાથે નિસ્બત ધરાવનાર કોઈને પણ ધીરુબહેનની ઓળખ આપવી ન પડે. એમ કરવું પડે તો તો આપણા ગુજરાતીપણામાં કે સાહિત્યપ્રેમી હોવામાં સાચે જ ધૂળ પડે. ઉંમરના 95/96 વર્ષે પણ એ એમ કહી શકે કે હજી તો મારે બહુ બધું કામ કરવાનું બાકી છે. અને સાચે જ એ સતત કામ કરતાં જ રહ્યાં.
ધીરુબહેન વિષે વાત કરવી હોય તો કેટકેટલાં સ્વરૂપો સામે આવે. ગુજરાતી ભાષાને અને સાહિત્યને દિલ ફાડીને પ્રેમ કરનાર ધીરુબહેન અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક હતાં તે માત્ર એ જ કારણે કે વિશ્વ સાહિત્ય સુધી પહોંચી શકાય. સાહિત્યના અનેક પ્રકારોમાં એમણે લખ્યું. વાર્તા, નવલકથા, નાટક, બાળસાહિત્ય અને બીજું કૈં કેટલું ય. લેખનના કોઈપણ સ્વરુપ કે માધ્યમ સામે એમને છોછ નહોતો. અગણિત સન્માન અને પુરસ્કારો એમના નામે લખાયાં તે તો સાહિત્ય જગતે કરેલી એક નાની કદરના ભાગરૂપ જ ગણાય.
ગાંધી વિચારસરણી ધરાવતાં ધીરુબહેન કટ્ટર ગાંધીવાદી નહોતાં. સત્ય અને સિદ્ધાંતનિષ્ઠા એમના ગાંધી રંગે રંગાયેલ પરિવારમાંથી એ ગળથુથીમાં પામ્યા. જીવનભર ખાદી જ પહેરી. ધાર્મિક નહિ પણ ઈશ્વરમાં પૂર્ણ આસ્થા અને એટલી જ સમજ અને સહજ શ્રદ્ધા શ્રી રમણ મહર્ષિના અધ્યાત્મ ચિંતનમાં.
ધીરુબહેન નિસ્બતથી લખનાર સર્જક હતાં. એમની સૌથી મોટી વાત એ હતી કે ‘હું કરું છું, મેં કર્યું છે’ એવા અહમથી એ પર રહી શક્યા હતાં. સુધા સામયિકનું સંપાદન હોય, સાન્તાક્રુઝ સ્ત્રી મંડળ હોય, સાહિત્ય સંસદ કે સાહિત્ય પરિષદનું પ્રમુખપદ હોય કે લેખિની કે વિશ્વા જેવી સંસ્થાઓ – આ સઘળું એમની સાહિત્ય પ્રતિ નિસબતનું પરિણામ છે. લોકોને, અને ખાસ તો બહેનોને લખતી કરવામાં જે રસ એમણે દાખવ્યો અને જે ઠોસ પ્રયાસો કર્યા તે ભાગ્યે જ બીજા કોઈએ કર્યા. થોડાંક મૂડી, થોડાંક જિદ્દી અને મસ્તીખોર ધીરુબહેન જે સાચું લાગે તે કહે અને કરે જ. પણ એ બધું માત્ર અને માત્ર સાહિત્યને માટે જ હોય.
એમની સર્જક ચેતનાની ઊંચાઈ કે ઊંડાણ માપવા કે પામવા આપણો ગજ ચોક્કસ ટૂંકો પડે. અને એ જ રીતે એમના વિષે લખવા આપણી કલમ પણ નબળી જ પડે.
ખૂબ સ્નેહાળ અને ઋજુ સ્વભાવનાં ધીરુબહેન પોતે તો સલામ કરવી પડે એવી સર્જકતા ધરાવતા હતાં જ પણ સાહિત્યને વધુ ને વધુ વિસ્તારવા, પ્રસારવા એમણે કરેલાં અણથક પ્રયાસો બહુ ઓછા સર્જકોએ કર્યાં હશે.
તોફાની અને મસ્તીખોર સ્વભાવ એ આ સિદ્ધહસ્ત સર્જકના વ્યક્તિવનું એક અદભૂત પાસું હતું અને એટલું જ ખાસ હતું એમનામાં રહેલું બાળકપણું. એમને તમે હંમેશા પૂરેપૂરાં સન્માન સાથે જ જુઓ પણ એક સરળ નિર્દોષ વ્યક્તિ તરીકે અઢળક ચાહી પણ શકો.
ધીરુબહેનની વિદાય આપણે માટે એક વિરાટ ઉદાસ ખાલીપો મૂકી ગઈ છે એ નક્કી. સાહિત્યના ક્ષેત્રમાં એમણે કરેલાં કાર્યો વર્ષોનાં વર્ષો સુધી જીવંત રહેવાનાં.”
આપણા સૌ વતી, પૂર્ણ સન્માન સહ વિદાય – વંદન ધીરુબહેન.
jitu sanghvi said
Nanditaben,
very nice!
Rajendra Patel said
I am grateful to her
She has given me the name in 1939
In 2022 June she decided to have a dinner together but due to my health this did not happened
Wish her soul to rest in peace